અમારા વિશે
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે.
સાયબર ક્રાઇમ
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.
- સોશીયલ મીડીયા સંબંધિત ફ્રોડ
- ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ
- જોબ ફ્રોડ (નોકરી સંબંધિત ફ્રોડ)
- મેટ્રીમોનીયલ ફ્રોડ
- લોન ફ્રોડ
- ઇન્શ્યોરન્સ ફ્રોડ
- કેમીકલ /બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ
- ઓનલાઈન શોપીગ ફ્રોડ
- ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ
- લોટરી/ઇનામ ફ્રોડ
આજકાલ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube, TikTok જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,
- Social Media પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવીી
- Social Media પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવાા
- અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
- અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ
- બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી
- સાયબર બુલિંગ
- Fake News કે ખોટી અફવા ફેલાવવી
- ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે
પહેલાંના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઇને અસામાજીક તત્વો લુંટ ચલાવતા, પરંતુ હવે તમારા ડેબીટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપુર્વક OTP (વન ટાઇમ પાસવર્ડ)ના માધ્યમથી લાખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર/કર્મચારી કે RBI ના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઇલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબીટ/ ક્રેડીટ કાર્ડ જેવી મહત્વપુર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી માતબર રકમ ઉપાડી લેવામાં આવે છે.
નોકરી સંબંધી લાલચ આપીને છેતરપીંડી આચરવીએ સૌથી સરળ અને સંખ્યાબંધ લોકોને છેતરવાનો સાયબર અપરાધીઓનો ધિકતો ધંધો છે. સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા માટે અલગ અલગ વેબસાઇટ ઉપર એપ્લાય કરતા હોય છે, આવા લોકોની માહિતી યેનકેન પ્રકારે મેળવીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલ દ્વારા સંપર્ક કરીને સાયબર અપરાધીઓ તેમનો વિશ્વાસ કેળવીને જુદી-જુદી પ્રોસેસીંગ ફી ના બહાના હેઠળ પૈસા પડાવીને વ્યક્તિને આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાહિત કૃત્યો આચરતા હોય છે.
લગ્ન માટે જીવનસાથી શોધતા સાયબર અપરાધીઓનો ભેટો થઇ જાય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. મંગલમય લગ્ન જીવનના સપના જોતા ઘણા લોકો સાથે વર/કન્યાના નામે છેતરપીંડીની ઘટનાઓ બની છે. ઓનલાઇન મેટ્રીમોનીયલ વેબસાઇટ ઉપર પુરૂષ કે સ્ત્રી જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેમને સપનેય ખ્યાલ નથી હોતો કે સાયબર ક્રિમીનલ પણ આવી જ વેબસાઇટ ઉપર શિકાર શોધી રહ્યો છે.
મોટા ભાગના કિસ્સાઓમાં તમારી બધી જ વિગતો મેળવીને વિશ્વાસ કેળવી બનાવટી વાતો અને નકલી ઓળખાણ આપી તમને આર્થિક નુકશાન પહોંચાડવા માટે થતી પ્રવૃત્તિ એટલે મેટ્રીમોનીયલ ફ્રોડ.
લોન શબ્દ સાંભળતાં જ બેંક યાદ આવે ને? પણ અહીંયા તો તમારી લોન (નાણા) ની જરૂરીયાત વિશે ચોક્કસ માહિતી મેળવીને તમારા ખિસ્સા અને બેંક બેલેન્સમાંથી લોન ફ્રોડ કરતા સાયબર ક્રીમીનલ્સ કાર્યરત હોય છે. તમારી બેંક અંગેની ઇન્કવાયરી અને ડેટાનો ગેરકાયદે હાથવગે કરીને, તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારીની બનાવટી ઓળખ આપીને લોન ઉપરાંત લોભામણી લાલચ આપી તમને ફસાવવાનું આબાદ છટકુ ગોઠવવામાં આવે છે.
આ પ્રકારના ફ્રોડમાં સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને જુદી-જુદી બેંકમાંથી લોન આપવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, GST વિગેરે માટે ચાર્જ પેટે નાણાં મેળવી લોન નહી આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.
જે પ્રકારે લોન ફ્રોડ જેવી ઘટનાઓ બનતી હોય છે લગભગ તેવી જ મોડસ ઓપરેન્ડી સાથે ઇન્શ્યોરન્સ ફ્રોડ પણ સાયબર ક્રિમીનલ્સનુ હાથવગુ હથિયાર છે. લાઇફ ઇન્શ્યોરન્સ કે હેલ્થ ઇન્શ્યોરન્સના બહાને બનાવટી વિમા અધિકારી/એજન્ટ બનીને સંપર્ક સાધે છે. નવા ઇન્શ્યોરન્સ અથવા તો વર્તમાન ઇન્શ્યોરન્સ અંગે સાચી-ખોટી માહિતીની આપ-લે કરીને ગુનાહિત કૃત્યની શરૂઆત કરે છે.
આવા સાયબર ક્રિમીનલ્સ નકલી વિમા અધિકારી/એજન્ટ બનીને લોભામણી ઓફર, રીફંડ જેવી લાલચ વડે તમારો વિશ્વાસ કેળવીને વિમાનાં હપ્તા પેટે કે પછી સિક્યોરીટી ડિપોઝીટ પેટે સારૂ રીફંડ અપાવવાની લાલચે કે સસ્તી ઇન્શ્યોરન્સ જેવી યોજનાના બહાના હેઠળ વિમાધારક પાસેથી જુદા-જુદા ચાર્જ પેટે રકમ મેળવીને આર્થિક નુકશાન પહોંચાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે.
સામાન્ય રીતે, આપણને માનવામાં પણ ન આવે કે, કેમીકલ/બિયારણ જેવા મુદ્દા સાથે કોઇ આપણને છેતરવા માટેની યોજના ઘડી રહ્યુ છે. આ પ્રકારના ફ્રોડ અંગે સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને ફેસબુક અથવા ઇમેલ મારફતે તદ્દન ફેક આઇ.ડી. દ્વારા સંપર્ક સાધી સૌપ્રથમ મિત્ર બનવાની ઓફર કરે છે, તેમજ પોતે વિદેશમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે અથવા તો પ્રતિષ્ઠીત ડૉકટર હોવાની તદ્દન વાહિયાત માહિતી આપે છે.
આ ઉપરાંત પોતે ભારત દેશમાં કેન્સર જેવા ગંભીર રોગની દવામાં ઉપયોગમાં આવતા કેમીકલ તેમજ પશુઓ માટે પ્રાણીજન્ય રસી બનાવવા ઉપયોગી સીડ્સ વિગેરેના ધંધા સાથે સંકળાયેલા હોવાની માહિતી આપી પોતાની કંપનીમાં આવા કેમીકલ કે સીડ્સની જરૂરીયાત હોવાની બાબત જણાવે છે. ભોગ બનનારને ઉંચા ભાવે કેમીકલ કે સીડ્સની ખરીદી કરાવી આયોજનપુર્વક છેતરપીંડી કરીને આર્થિક ગુનો આચરતા હોય છે.
મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રકારના અપરાધ માટે ચોક્કસ સામુહિક ગેંગ કે જે આયોજનપુર્વક છેતરપીંડી કરીને ફ્રોડ આચરતા હોય છે ઉંડી તપાસમાં જણાઇ આવ્યુ છે કે નાઇજીરીયા દેશના નાગરીકો કે જેઓ ભારતમાં કોઇ સ્થળે ગેરકાયદેસર વસવાટ કરતા હોય છે, તેઓ આ પ્રકારના ફ્રોડને અંજામ આપતા હોય છે.
આજકાલનો જમાનો ઓનલાઇન શોપીંગનો છે. Social Media તેમજ અલગ અલગ ઇ-કોમર્સ વેબસાઇટ જાતભાતની ચીજવસ્તુઓ ખરીદતી વખતે સાયબર ક્રીમીનલ્સ તમારી સાથે આયોજનપુર્વક છેતરપીંડી કરતા હોય છે. Social Media કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતો મુકીને યેનકેન પ્રકારે ઓનલાઇન નાણાં મેળવીને વસ્તુની ડિલીવરી નહી આપીને કે ખોટી-હલકી-બનાવટી વસ્તુઓ ડિલીવરી કરીને તમને આર્થિક નુકશાન પહોંચાડે છે.
તમે ક્યારે સાંભળ્યુ છે કે, મોબાઇલના ટાવર ઇન્સ્ટોલ કરવા છે તે પ્રકારની માહિતી ફેલાવીને પણ આર્થિક અપરાધ થાય છે ? Social Media, વેબસાઇટ કે સમાચારપત્રમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવાના છે તેવી ખોટી માહિતી આપવામાં આવે છે. દર મહિને ઉંચુ વળતર આપવાની લાલચે તમારો સંપર્ક સાધીને ટાવર ઇન્સ્ટોલેશન કરવા માટે રજીસ્ટ્રેશન ફી એડવાન્સ ડિપોજીટ જેવા બહાના હેઠળ માતબર રકમ મેળવીને વિશ્વાસઘાત કરતા હોય છે.
“લોટરી તો નસીબમાં હોય તેને જ ફળે” આ કહેવતનો સૌથી વધુ ગેરફાયદો ઉઠાવવા સાયબર ક્રિમીનલ્સ હંમેશાં શિકારની શોધમાં ભટકતા હોય છે લોકોને ફોન, ઇમેલ કે SMS દ્વારા સંપર્ક કરીને તમને માતબર લોટરી-ઇનામ લાગ્યુ છે તેવી ખોટી લાલચ આપીને છેતરપીંડી આચરવાનુ કામ કરે છે. તમારૂ નામ કોઈ યોજના હેઠળ ઇનામ માટે સિલેક્ટ થયું છે તેવું જણાવીને ઇનામ આપવાના બહાને જુદા-જુદા ચાર્જ પેટે નાણાં પડાવીને લોટરી કે ઇનામ જેવી વસ્તુઓ નહી આપીને ગુનો આચરવામાં આવે છે.
ઘણી વખત નાગારિકોને બનાવટી ઓળખ આપીને દેશ વિદેશમાંથી ઇનામ કે રોકડ રકમ મોકલવા કે ફંડ ટ્રાન્સફર કરી રહ્યાનું જણાવે છે ત્યારબાદ એરપોર્ટ કે કસ્ટમ ઓફીસરના ખોટા નામથી ફોન કરીને પ્રોસેસીંગ ચાર્જ અથવા તો કોઇ ખોટા ગુનામાં સંડોવાઇ જવાનો ડર દેખાડીને મોટી રકમ પડાવી લેવામાં આવે છે. આ પ્રકારના ગુનાઓમાં મુખ્યત્વે નાઇજીરીયન ગેંગ સંડોવાયેલી હોય છે.
- ઈમેઈલ હેકીંગ
- સિમ સ્વેપિંગ ફ્રોડ
- કસ્ટમર કેર ફ્રોડ
- ઈમેઈલ સ્પુફીંગ ફ્રોડ
- ઇ - કોમર્સ સંબંધિત ફ્રોડ
- રેન્સમવેર એટેક
- ડેટા થેફટ
- વાયરસ / માલવેર એટેક
- ડીનાઇલ ઓફ સર્વીસ
- ઓનલાઇન પ્રતિબંધીત વસ્તુઓ ખરીદવી કે વહેચવી
આજે દરેક વ્યક્તિ માટે ઈમેલ આઈડી એક ખુબ જ મહત્વપૂર્ણ જરૂરીયાત છે. કોઈ અજાણી વ્યક્તિ ફીશીંગ લીંક કે અન્ય કોઈ યુક્તિ દ્વારા ભોગ બનનાર વ્યક્તિના ઈમેઈલનો આઈડી અને પાસવર્ડ યેનકેન પ્રકારે મેળવી તેના ઈમેઈલ દ્વારા બેંકની તેમજ અન્ય તમામ પ્રકારની માહીતી મેળવી આર્થિક ત્રાહિત કરવા પ્રયત્ન કરે છે. ઘણા કિસ્સાઓમા અજાણી વ્યક્તિ કોઈ બનાવટી ઈમેઈલ આઈડી બનાવી અને કોઈ હેરાનગતિ વ્યક્તિને ઈમેઈલમા ધમકી આપવી કે માનસીક હેરાનગતી કરતો સંદેશો મોકલે છે. જેનાથી તે વ્યક્તિ માનસિક ત્રાસ અનુભવે આ એક ગુનાહીત પ્રવૃત્તિ કરે છે.
સીમ સ્વેપીંગ ફ્રોડ અંતગર્ત તમારા ઓળખના પુરાવા, સીમકાર્ડ, ઈમેઈલ, મોબાઈલ, અને બેંક એકાઉન્ટ સાથે ચેડા કરવામા આવે છે. સીમ સ્વેપીંગ કેસમા નેટબેંકીંગ દ્વારા બેંક ખાતામાથી મોટી રકમના નાણાં ટ્રાન્સફર કરવા ખાતાધારકો તથા નાની મોટી કંપનીઓને ટાર્ગેટ કરવામા આવેલ છે.
સાયબર ક્રીમીનલ્સ દ્વારા ભોગ બનનારને ઈમેઈલ કરી ફીશીંગ લીંક, કી-લોગર કે અન્ય કોઈ રીતે ભોગ બનનારનુ ક્મ્પ્યુટર, લેપટોપ, કે મોબાઈલ ફોન હેક કરવામા આવે છે. જે ફોન નંબર ભોગ બનનારના બેંક એકાઉન્ટ સાથે લીંક કરેલ હોય તેના પર OTP મેળવવા માટે એ ફોન નંબરનુ ડુપ્લીકેટ સીમકાર્ડ કઢાવવા ઓળખના ચોરેલા કે ઉપજાવેલા ખોટા પુરાવા આધારે નવુ સીમકાર્ડ મેળવે છે અને ઓનલાઈન બેંકીંગ દ્વારા મોટી રકમ આરોપી પોતાના અલગ અલગ બેંક ખાતાઓમા ટ્રાન્સફર કરે છે.
જ્યારે કોઇ ગ્રાહક ઓનલાઇન, શોપીંગ મોલ, દુકાન અથવા તો અન્ય કોઇ જગ્યાએથી વસ્તુની ખરીદી કરે અને પછી કોઇ કંપનીની સર્વિસથી નાખુશ થાય ત્યારે ગ્રાહક ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ ઉપર પોતાની ફરીયાદ રજીસ્ટર્ડ કરાવે છે. ઘણા કિસ્સાઓમાં ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ ઓપનસોર્સ પ્લેટફોર્મ પર તૈયાર થઇ હોવાથી ગ્રાહકનો ડિજિટલ ડેટા અને ફરીયાદ સંબંધિત માહિતીઓની ચોરી થાય છે. ત્યારબાદ ગ્રાહકની ફરીયાદ મુજબની માહિતી બાબતે આરોપીઓ ગ્રાહકોનો સંપર્ક કરી તેઓને વળતર આપવુ કે અન્ય કોઇ લાલચ આપીને ગ્રાહકોની બેંક ડિટેઇલ્સ તથા મોબાઈલ નંબર મેળવી છેતરપીંડી કરતા હોય છે.
ડિજિટલ યુગમાં આર્થિક વ્યવહાર ઝડપથી થાય તેવા ઇ-વૉલેટ PayTm, Google Pay, PayU, BHIM App નો ઉપયોગ કરતાં ગ્રાહકો ઉપરોક્ત સેવા અંગે કોઇ ફરીયાદ કરે છે ત્યારે Google Search ના ઉપયોગ દ્વારા હેલ્પ લાઇન અથવા કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા હોય છે. સાયબર ક્રિમીનલ દ્વારા અહીં Google Search દરમ્યાન પોતાનો નંબર લોકોને પહેલાં દેખાય તે પ્રકારનુ સેટીંગ કર્યુ હોય છે જેથી લોકો સાયબર ક્રીમેનલ્સને જ પોતાની ફરીયાદ વર્ણવે છે. અહી સાયબર ક્રીમીનલ્સ વળતર આપવાનુ વચન આપીને ગ્રાહકોની બેંક ડિટેઇલ્સ તેમજ OTP મેળવીને ઇ-વૉલેટ/બેંકમાંથી નાણાં પડાવી લે છે.
ઇ-મેઈલ સ્પુફીંગ દ્વારા થતા ફ્રોડમાં સાયબર ક્રિમીનલ્સ ચોક્કસ વ્યક્તિ કે કંપનીને અત્યંત ચતુરાઇથી છેતરી કાઢે છે. નાગરીક દ્વારા વિદેશના વેપારીઓ સાથે આયાત અને નિકાસનો વેપાર મોટા ભાગે ઇમેલના માધ્યમ દ્વારા થતો હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં નાગરીક જ્યારે આયાત કરતા હોય તે સમયે વિદેશના વેપારીને માલ પેટે બેંક મારફતે સ્વિફ્ટ પેમેન્ટ કરવાનુ હોય છે. વિદેશથી વેપારી જયારે ઇમેલ મારફતે અહીના વેપારીને માલની અને બેંકની વિગત સાથેનુ પ્રફોર્મા ઇનવૉઇસ ઇ-મેઈલ દ્વારા મોકલે છે, આ સમયે સાયબર ક્રીમીનલ્સ દ્વારા વિદેશના વેપારી જેવુ ભળતુ ઈ-મેઈલ આઈડી બનાવીને બંને તરફ ઈ-મેઈલ મોકલવામા આવે છે. જેમા બેંકની વિગત બદલાયેલી હોય છે. માલ-સામાન આયાત કરવા પેટે ચુકવવાનુ થતા પેમેન્ટ તે ખોટા બેંક ખાતામા જમા કરાવવા જણાવેલુ હોય છે.
વિદેશના વેપારી જેવુ જ ઈ-મેઈલ આઈડી અને પર્ફોર્મા ઈનવોઈસના આધારે વેપારી તેમા જણાવેલા ખોટા બેંક એકાઉન્ટમા માલસામાન પેટે એડવાન્સ પેમેન્ટ જમા કરાવવા જતા આર્થિક નુક્શાન ભોગવવાનો વારો આવે છે.
ઈ-કોમર્સ સંબંધિત ફ્રોડમાં સાયબર ક્રીમીનલ્સ OLX તેમજ અન્ય વેબસાઈટ પર ચીજવસ્તુઓની ખરીદી કે વેંચાણ કરતા ગ્રાહકોને છેતરવા માટે વેબસાઈટ પર ખોટુ એકાઉન્ટ બનાવીને તમને મોંઘા ભાવની વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે વેંચવાની જાહેરાત મુકી જાળ બિછાવવામા આવે છે. જ્યારે કોઈ નાગરીક દ્વારા તે વસ્તુને ખરીદવા માટે જાહેરાતમા આપેલા મોબાઈલ નંબર, વોટ્સઅપ કે ઈ-મેઈલના માધ્યમથી સંપર્ક કરવામા આવે ત્યારે અરસ-પરસ વિશ્વાસ કેળવીને વસ્તુ પેટે એડવાન્સમા નાણાં મેળવી લેવામા આવે છે, અને વસ્તુ મોકલવામા આવતી નથી.
હવે જ્યારે કોઈ નાગરીક પોતાની ચીજવસ્તુઓનુ OLX કે અન્ય કોઈ વેબસાઈટ પર વેંચાણ કરવા માટે જાહેરાત મુકે છે ત્યારે આ જાહેરાત જોઈને આરોપી બનાવટી ઓળખ દ્વારા નાગરીકનો સંપર્ક સાધે છે. તેમજ તે ચીજ-વસ્તુ ખરીદવા સહમત હોવાનુ જણાવી નાગરિક પાસેથી તમામ માહિતીઓ મેળવી લેવા પ્રયત્ન કરે છે. આરોપી વસ્તુ ખરીદવા માટે નાણાંની ચુકવણી Google Pay ડાઉનલોડ ન હોય તો તેમના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી તેમાં નાગરિકની બેંકની વિગત ભરાવડાવીને રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારબાદ પોતાના Google Pay એકાઉન્ટમાંથી અમુક રકમની રીકવેસ્ટ મોકલીને નાગરિકને એવુ જણાવે છે કે મોકલેલી રીકવેસ્ટમાં પે ઓપશન સિલેક્ટ કરો જેથી તમને નાણાં મળી જશે પરંતુ હકીકતમાં પે ઓપશન સિલેકટ કરવાથી નાગરિકના ખાતામાં રહેલા પૈસા આરોપીના ખાતામાં જતા રહે છે અને આ પ્રકારે છેતરપિંડી થાય છે.
રેન્સમવેર એટલે સાયબર હેકરોએ કોમ્પ્યુટર કે સર્વરમાં રહેલો ડિજિટલ ડેટા ચોરવા માટે બનાવેલો નાનકડો સોફટવેર પેચ. જ્યારે કોઇ કંપનીના નેટવર્કમાં વાયરસ પ્રોટેક્ટેડ શિલ્ડ ન હોય તેવા સમયે હેકરો કોઇ લીંક મારફતે સીસ્ટમના સર્વરમાં પ્રવેશ કરતા હોય છે અને સર્વરનો મહત્વપુર્ણ ડેટા Encrypt કરી દેવામાં આવે છે જ્યારે પણ યુઝર પોતાની સિસ્ટમ ચાલુ કરે કે તરત જ ડેટા Encrypt થયેલો જોવા મળે છે અને હવે હેકર કોઇ ઇ-મેઇલ કે Social Media દ્વારા ડેટા Decrypt કરવા માટે બીટકોઇન સ્વરૂપે ખંડણી માંગતા હોય છે.
એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, કોઇપણ વ્યક્તિનો અંગત, સંસ્થા, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમોમાંથી વેબસાઇટ, કોમ્પ્યુટર, પેનડ્રાઇવ, ઇમેલ આઇ.ડી.ના માધ્યમથી ડિજિટલ ડેટા ચોરી કરવામાં આવે છે, જેને ડેટા થેફ્ટ કહેવાય છે.
વાયરસ/માલવેર ઘણા પ્રકાર હોય છે જેમ કે, ટ્રોજન, વોર્મ, રેન્સમવેર જેવા નાનકડા વાયરસ કોમ્પ્યુટર, લેપટોપ કે સર્વરમાં નુકસાની સર્જી ડેટા ગેધરીંગ, ક્રેડેંશીયલની ચોરી, કી-લોગીંગ વિગેરે થાય છે.
આરોપીઓ પેનડ્રાઇવ, હાર્ડડ્રાઇવ અથવા અન્ય ડિવાઇસ કે ઓનલાઇન વેબસાઇટના માધ્યમથી આયોજનપુર્વક નાનકડો સોફ્ટવેર તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરે છે ત્યારબાદ માલવેર દ્વારા ભોગ બનનાર વ્યક્તિના કોમ્પ્યુટર, લેપટોપ કે સર્વરનો એક્સેસ મેળવીને ડેટા ચોરી કરે છે. આ ઉપરાંત સીસ્ટમના IP Address અને MAC I.D. નો ઉપયોગ કરી સાયબર ક્રાઇમની કોઇપણ ગંભીર ઘટનાને આકાર આપી શકે છે.
ડીનાઇલ ઓફ સર્વિસ એટેક એટલે સાયબર હેકરો કોઇ વ્યકિત, કંપની, બેંક કે સંસ્થાના સર્વરને એટલુ બધુ વ્યસ્ત કરી નાંખે છે કે તેના સિવાય અન્ય કોઇ વ્યક્તિ તેની સર્વિસનો લાભ લઇ શક્તી નથી અને પરીણામે ભોગ બનનાર વ્યક્તિને મોટુ આર્થિક નુકશાન થાય છે.
સરકારના કાયદા એકદમ સ્પષ્ટ છે અને ઘણી ચીજ વસ્તુઓ જેમ કે, ડ્રગ્સ, હથિયાર, પ્રાણીની ચામડીનો વેપાર જેવી બાબતો પર પ્રતિબંધ છે. કોઇપણ બિઝનેશ વેબસાઇટના બેક ગ્રાઉન્ડમાં પ્રતિબંધીત વસ્તુઓના ફોટા રાખવામાં આવતા હોય અને આ પ્રકારની વસ્તુઓના ફોટા પર અદ્રશ્ય પિંગ પોઇન્ટ્સ રાખીને લીંક ઓપન કરવા માટેની સુવિદ્યા આપેલી હોય છે જેના દ્વારા પ્રતિબંધીત વસ્તુઓનુ ખરીદ-વેચાણ થઇ શકે.
ગુજરાત પોલીસ સાયબર સેલના નવતર પ્રયોગો
સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU)
જોબ ફ્રોડ, લોટરી ફ્રોડ, કસ્ટમર-કેર ફ્રોડ, KYC ફ્રોડ, ઇ-કોમર્સ ફ્રોડ, ડેબીટ-ક્રેડિટ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડ તથા અન્ય કોઇપણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે ગુજરાત રાજ્યના તમામ નાગરીકો “૧૦૦” નંબર ડાયલ કરીને તથા સાત નવનિર્મિત જીલ્લાના નાગરીકો “૧૧૨” નંબર ડાયલ કરીને વિના સંકોચે ફરીયાદ કરી શકે છે. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ યુનિટની ટેકનીકલ ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફરીયાદીનુ નિરાકરણ કરવામાં આવશે. આ ઉપરાંત સાયબર ક્રાઇમના ગુનાની નોંધણી અંગે પણ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ (CCPU)
આજના ડિજિટલ યુગમાં બનતા અપ્રત્યક્ષ સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે દેશમાં સૌપ્રથમ ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રાજ્યના તમામ નાગરીકોને સચોટ માહિતી અને માર્ગદર્શન વડે સાયબર સુરક્ષા કવચ પુરૂ પાડવા અત્યાધુનિક “સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ” તૈયાર કરવામાં આવ્યુ છે. આ યુનિટમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા આરોપીના મોબાઈલ નંબરોનું એનાલિસિસ કરીને તેમની સાથે સંપર્કમાં રહેલા ગુજરાતના નાગરિકોને SMS મોકલી ગુન્હાનો ભોગ બનતા અટકાવવા માટે સાવચેત કરવામાં આવશે. આ ઉપરાંત ફિશિંગ લિંક અને ફેક વેબસાઈટ દ્વારા નાગરિકોને છેતરવામાં આવતા હોવાનું ધ્યાને આવશે તો તેની માહિતિ એકત્રીત કરીને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટની ટેક્નીકલ ટીમ દ્વારા તે વેબસાઈટનુ રીવર્સ એન્જીનીયરીગ કરવામાં આવશે અને જો તે વેબસાઇટ ફ્રોડ જણાઇ આવશે તો તેને બંધ કરવામાં આવશે.
એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU)
અસામાજીક તત્વોના હાથમાં મોબાઇલ ફોન હવે નવુ હથિયાર છે કોઇપણ વ્યકિતને મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમ વડે ડરાવવા, ધમકાવવા, અપમાન કરવા, મજાક ઉડાવવા અથવા ગુસ્સો કરવા પ્રેરીત કરવા જેવાં કોઇપણ મેસેજ મોકલવામાં આવે તેને સાયબર બુલિંગ કહેવાય છે. સામાન્ય રીતે નવ યુવાન-યુવતીઓ આ પ્રકારના સાયબર બુલીંગનો ભોગ બનતા હોય છે પરંતુ હવે તમારે આ પ્રકારની કનડગતથી ગભરાઇ જવાની જરૂર નથી. અમારી હેલ્પલાઇન – ૧૦૦ નંબર અને ૧૧૨ નંબર (સાત નવનિર્મિત જીલ્લાઓ માટે) ઉપર તમારી ફરીયાદ જણાવો. અમે તમોને યોગ્ય માર્ગદર્શન આપીશુ. તદુપરાંત તમારી ઓળખ ગુપ્ત રાખીને સાયબર અપરાધીઓ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
સાયબર સુરક્ષા લેબ (CSL)
ઘણા કિસ્સાઓમાં એવુ જોવા મળેલ છે કે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં છુપાઇને કોઇ વાયરસ કે પેચ ચોક્કસ હેતુ સાથે તમારી માહિતીઓ (ડિજીટલ ડેટા) એકઠી કરીને રીમોટ એક્સેસથી અન્ય કોઇને મોકલી રહ્યુ હોય છે. આવા વાયરસને જડમુળથી ફેકી કાઢવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે “સાયબર સુરક્ષા લેબ” લાવ્યુ છે. હવે આપના મોબાઇલ ફોન, ટેબલેટ, કોમ્પ્યુટર, લેપટોપ, મેમરીકાર્ડ કે હાર્ડડિસ્ક જેવા ઉપકરણો લઇને અમારી સાયબર સુરક્ષા લેબમાં આવો અને વિનામુલ્યે તમારા ઉપકરણોને સ્કેન કરી, તેમાં રહેલા શંકાસ્પદ વાયરસ, માલવેર (Malware) કે વિવાદાસ્પદ એપ્લીકેશન (MALICIOUS APPLICATION) અથવા તો કોઇપણ પ્રકારના Vulnerable પેચ ને તુરંત શોધી કાઢીને તમારા ઉપકરણોને વિનામુલ્યે સાયબર સુરક્ષા પુરી પાડશે.
સંદેશ
ગુજરાત રાજય પોલીસનું પ્રાથમિક ધ્યેય, ગુજરાતની બહુવિધતા ધ્યાને લેતાં તથા બંધારણીય વ્યવસ્થા અને કાયદાકીય વ્યવસ્થાની જોગવાઇ મુજબ જાહેર વ્યવસ્થાની જાળવણી, આંતરિક સલામતી અને ગુન્હાઓ શોધવાનું તેમજ અટકાવવાનું છે. આ માટે પોલીસમાં ઉચ્ચ સ્તરનો વ્યાવસાયિક અભિગમ, ફરજ પ્રત્યેનું સમર્પણ, યથાર્થ અભિગમનું પ્રદર્શન અને લોકોની અપેક્ષા પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં આવી છે.
શ્રી એમ. કે. દાસ (આઈ.એ.એસ.)
આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં ડિજીટલ યુગનો આરંભ થઇ ચુકેલ છે. આવા સમયમાં ગુજરાત રાજ્ય પોલીસની કામગીરીમાં આધુનિકરણ અને innovation ની આવશ્યકતા છે. ટેક્નોલોજીના દુરૂપયોગના લીધે રાજ્યના નાગરીકોને સામાજીક અને આર્થિક નુકશાન ન થાય તથા નાગરીકો Digital Safety અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા સાયબર સુરક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખુબજ આવકારદાયક છે... વધુ વાંચો
શ્રી વિકાસ સહાય (આઈ.પી.એસ.)
સેવા, સુરક્ષા, શાંતિ જેની નેમ છે કાયદો અને વ્યવસ્થા જેની જવાબદારી છે એ ગુજરાત પોલીસ વર્તમાન સમયમાં પ્રજાલક્ષી કાર્યો અને સર્વોદયની ભાવના સહ નવીનીકરણની સાતત્યપુર્ણ પ્રક્રીયા એ ગુજરાત પોલીસનો વૈસાયીક અભિગમ છે. કોઇપણ પ્રકારની ગુનાખોરીને ડામવા અને જન-જીવનની સુખાકારી માટે રાતદિન તત્પર ગુજરાત પોલીસ ટેકનોલોજીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાની આધુનીકરણ સહ કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં ક્યાંય કચાશ રાખતી નથી...
વધુ વાંચો